ગુજરાત રાજયના ચેતક કમાન્ડો, મરીન કમાન્ડો ઉપરાંત કેન્દ્રિય પોલીસ ઓર્ગનાઇઝેશનના કોબ્રા કમાન્ડો, ક્રીક કમાન્ડો, એન.એસ.જી. કમાન્ડો તથા એસ.એસ.જી. કમાન્ડો દ્વારા સામર્થ્ય અને શકિતમાં રાષ્ટ્રનો વિશ્વાસ દ્રઢ કરતી ઉમદા ડ્રીલનું પ્રદર્શન કરવામાં આવ્યું:
ગત વર્ષે સને ૨૦૧૮માં ૫૩મી ‘ઓલ ઇન્ડિયા ડી.જી.પી. કોન્ફરન્સ’ ભારત વર્ષની મહાન પ્રતિભા ધરાવતા સરદાર વલ્લભભાઇ પટેલની વિશ્વમાં સૌથી ઊંચી પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ના પ્રાંગણમાં યોજાયેલી હતી. આ અવસર પર ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ના સ્વપ્નદ્રષ્ટા ભારતના માનનીય પ્રધાન મંત્રીશ્રીની પ્રેરણાથી તેઓશ્રીની ઉપસ્થિતિમાં ભારતના તમામ રાજયોમાંથી આવેલાં પોલીસ તેમજ અર્ધલશ્કરી દળોના યુનિટો દ્વારા એકતા પરેડનું ઉત્કૃષ્ટ પ્રદર્શર્ન કરવામાં આવેલું.
ગુજરાત પોલીસ દ્વારા આયોજિત એકતા પરેડમાં કેન્દ્રિય ગૃહ મંત્રીશ્રી રાજનાથ સિંહ, કેન્દ્રિય ગૃહ રાજય મંત્રીશ્રી કિરણ રીજુજી, કેન્દ્રિય ગૃહ રાજય મંત્રીશ્રી હંસરાજ આહિર, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર શ્રી અજીત ડોભાલ સહિત દેશના વિવિધ રાજયોના ડી.જી.પી.શ્રીઓ તથા ઉચ્ચ પોલીસ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
ભારતના પ્રથમ ગૃહ મંત્રીશ્રી સરદાર વલ્લભભાઇ પટેલે દેશના લોકોને એક તાંતણે બાંધીને દેશની એકતા સ્થાપી હતી. દેશની એકતા, અખંડિતતાના પ્રહરી અને દેશની આંતરિક સુરક્ષાના રક્ષક, વિવિધ પોલીસ કમાન્ડો યુનિટ્સના કમાન્ડો દ્વારા જોશપૂર્વક માર્ચ કરવામાં આવેલી. તેમાં ગુજરાત રાજયના સ્પેશ્યલ કમાન્ડો ફોર્સ ચેતક કમાન્ડો, મરીન કમાન્ડો ઉપરાંત કેન્દ્રિય પોલીસ ઓર્ગનાઇઝેશનના કોબ્રા કમાન્ડો, બી.એસ.એફ.ના ક્રીક કમાન્ડો, એન.એસ.જી. કમાન્ડો તથા સી.આઇ.એસ.એફ.ના એસ.એસ.જી. કમાન્ડો દ્વારા સામર્થ્ય અને શકિતમાં રાષ્ટ્રનો વિશ્વાસ દ્રઢ કરતી ઉમદા ડ્રીલનું પ્રદર્શન કરવામાં આવેલું.
દેશની સુરક્ષા કરતાં વિવિધ રાજયોની પોલીસ તેમજ કેન્દ્રીય પોલીસ ઓર્ગનાઇઝેશન દ્વારા રાજય પોલીસ યુનિટ ધ્વજ સાથે પરેડ યોજી એકતાના દર્શન કરાવવામાં આવેલા. રાષ્ટ્રની આંતરિક સુરક્ષા પોલીસ કર્મીઓ સાથે ખભેથી ખભો મિલાવી યોગદાન કરી રહેલી કેન્દ્રીય અર્ધ લશ્કરી દળની સી.આર.પી.એફ.ની મહિલા પોલીસ કર્મીઓ દ્વારા મહિલા શકિતના પ્રતિક સમાન રાયફલ ડ્રીલની ભવ્ય પ્રસ્તુતિ કરવામાં આવેલી.
કેન્દ્રિય અર્ધ લશ્કરી દળના સી.આર.પી.એફ., બી.એસ.એફ. તેમજ આઇ.ટી.બી.પી.ના મહિલા બેન્ડ ધ્વારા ‘સારે જહાં સે અચ્છા હિન્દુસ્તાં હમારા’ સહિત દેશભકિતના ગીતો અને રાષ્ટ્રગાન સાથે સુમધુર સુરાવલી, મંત્રમુગ્ધ કરતા સંગીતની રજૂઆત કરવામાં આવેલી.
ગુજરાત પોલીસના કમચારીઓ દ્વારા ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ કાર્યક્રમ રજૂ કરવામાં આવેલો, જેમાં દરેક રાજય/ સીએપીએફ/ સીપીઓના ધ્વજધારકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ના થીમને ચોટદાર રીતે રજૂ કરી કાર્યક્રમનું સમાપન કરવામાં આવેલું.